ચિત્રકાવ્યનું સ્વરૂપ :
ચિત્રકાવ્યનાં
સ્વરૂપ વિશે આનંદવર્ધન લખે છે કે ધ્વનિ તેમજ ગુણીભૂતવ્યંગ્યથી અલગ,રસભાવ વગેરેનાં
તાત્પર્યથી રહિત અને વ્યંગ્ય અર્થનાં પ્રકટીકરણની શક્તિથી રહિત કેવળ શબ્દ અને
અર્થના વૈચિત્ર્યનો આશ્રય લઈને ચિત્રને સમાન આભાસિત થનાર કાવ્યને ચિત્રકાવ્ય
કહેવાય છે.૧
ચિત્રકાવ્યનાં લક્ષણ સાથે
સંબંધ ધરાવનારી કારિકામાં તેમણે ‘ચિત્ર’ ની સાથે ‘કાવ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો નથી
છતાં તેની વૃત્તિમાં ‘કાવ્ય’ ને ઉદ્દેશ્ય અને ‘ચિત્ર’ ને તેના વિધેયનાં રૂપમાં
રાખેલ છે.૨ આથી કહી શકાય કે તે ચિત્રકાવ્યને કેવળ ઔપચારિક
રૂપમાં કાવ્ય કહેવાના પક્ષમાં છે કારણ કે તે સ્વયં આગળ ચિત્રકાવ્યનાં કાવ્યતત્વનો
નિષેધ કરતા આને માત્ર કાવ્યાનુંકૃતિ કહે છે.૩ આચાર્ય મેમ્મર
‘ચિત્રકાવ્ય’ ને અવર નામ આપીને એનો અર્થ અધમ કરે છે.૪
રસભાવ
વગેરે વસ્તુ તથા અલંકારરૂપ ત્રિવિધ વ્યંગ્યાર્થનાં વિષયમાં વિવક્ષા ન હોવાથી જે
અલંકાર મયી રચના કરવામાં આવે છે તેને ચિત્રકાવ્યનું વિષયક્ષેત્રે માનવામાં આવેલ
છે.૫
v
ચિત્રકાવ્યનાં પ્રકારો :
અલંકાર સમુદાયની બે વિવિધતાને કારણે ચિત્રકાવ્યનાં મુખ્યરૂપે બે પ્રકાર પડે
છે. (૧) શબ્દચિત્ર અને (૨) અર્થચિત્ર શબ્દાલંકારોની સરખામણીએ અર્થાલંકારોનું
બાહુલ્ય હોવાથી શબ્દચિત્ર ઓછી સંખ્યામાં તથા અર્થચિત્ર અધિક સંખ્યામાં જોવા મળે
છે.૬ આચાર્ય મમ્મર પણ કાવ્યનાં બે પ્રકારો (શબ્દચિત્ર અને અર્થચિત્ર)
સ્વીકારે છે.૭વળી પ્રત્યેક વર્ગનાં અલંકારો બહુવિધ હોવાથી ‘ચિત્ર’
કાવ્યનાં અનેક પેટા પ્રકારો પડે છે આદિ મહાકાવ્ય વાલ્મીકી રામાયણમાંથી કેટલાંક
ઉદાહરણો સહિત જોઈએ.
v
શબ્દચિત્રકાવ્યનું સ્વરૂપ :
જ્યાં અર્થવૈચિત્ર્યથી ઉપસ્કૃત શબ્દમાં અધિક
ચમત્કાર હોય ત્યાં ‘શબ્દચિત્ર’ કાવ્ય માનવામાં આવે છે.૧ આનું પ્રથમ
ઉદાહરણ વાલ્મીકિ રામાયણ ૨.૪૯.૨૨ છે રાન્નની આ ઉક્તિનાં અંતિમ પાદનાં ‘शुकपादमरेर्दश’ માં ‘शुक’ તથા ‘अरे:’ શબ્દો ખુબજ મહત્વનાં છે.૮ રામ પોતાની
માતા કૌશલ્યા દ્વારા પાળેલી સારીકાનાં શબ્દોની જ પુનરાવૃત્તિ કરે છે સારિકાનાં
વચનો તો ‘હે પોપટ; ‘अरे:’-शत्रु (અર્થાત્ બિલાડી) ના પગને ડંખ માર; એમ થાય છે
પરંતુ રામ આને પોતાના માટે માનીને આનો ‘હે પોપટ (અર્થાત્ રામ) अरे:
શત્રુ અર્થાત્ કૈકેયીનાં પગને કાપ’ એવો અર્થ સમજે
છે આ પ્રમાણે અહી ‘‘शुक’ અને अरे:’
શબ્દોનાં વૈચિત્ર્યને કારણે શબ્દચિત્ર-કાવ્ય બને
છે,જેની ક્રમસરની ગોઠવણી અર્થશ્ર્લેષને કારણે માની શકાય છે.
(૨)
પાંચમાં કાંડનાં ચોથા અને છઠ્ઠા સર્ગનાં બધા શ્ર્લોકોમાં ‘છેક’ વગેરે અનુપ્રાસો જ
નહી; પરંતુ બધાજ પ્રકારનાં યમકોની યોજનાથી શબ્દવૈચિત્ર્ય આવ્યું છે, જે ચમત્કારજનક
બની રહે છે.
(૩) એક
અન્ય ઉદાહરણ જોઈએ જેમાં કવિની વિવક્ષા કોઈ રસ વગેરે વ્યંગ્યમાં નિહિત ન થતાં ;યમક’
અલંકાર દ્વારા શબ્દચિત્ર-કાવ્યનું સર્જન કરવામાં અધિક જાગૃત દેખાય છે.૯
પ્રથમ પાદમાં ‘મત્ત’ નાં પુનરાવર્તનથી ‘યમક’ અલંકાર બને છે આમા પ્રથમ ‘મત્ત’ નો
અર્થ ઐશ્વર્ય વગેરેના કારણે મદવાળો છે જયારે બીજામાં ‘મત્ત’ નિરર્થક રીતે
પ્રયોજાયો છે કારણકે ત્યાં વાસ્તવિક શબ્દ તો ‘प्रमत्त’ છે.
જેનો અર્થ મદિરાપાનથી મદવાળો થાય છે. જે રીતે કવિએ ‘મત્ત’ શબ્દની પુનરાવૃત્તિ કરી
છે. તે રીતે પાદનાં અંતે ‘कुलानि’ શબ્દની પણ પુનરાવૃત્તિ કરેલ છે આથી યમક અલંકાર
બને છે પહેલા પાદમાં ‘कुलानि’ નિરર્થક છે, કારણ કે અહી વાસ્તવિક શબ્દ ‘सम्-आ ‘कुलानि’’ છે, જેનો અર્થ ‘પરસ્પર જોડાયેલ’ એવો થાય છે બીજા
પાદમાં વાસ્તવિક શબ્દ ‘संकुसंकुलानि’ છે
જેનો અર્થ ભરાયેલ અને સંપન્ન છે આ પ્રમાણે
ત્રીજા અને ચોથા પાદમાં ‘समांकुलानि’ તથા ‘कुलानि’ શબ્દ ક્રમશ: નિરર્થક અને સાર્થક’ ‘‘कुलानि’’ શબ્દને ધારણ કરતાં વિભિન્ન અર્થોનાં વાચક હોવાથી
‘યમક’ અલંકારની સૃષ્ટિ દ્વારા શબ્દચમત્કાર ઉત્પન્ન કરે છે.
(૪)
પાંચમાં કાંડનાં ચોથા અને છઠ્ઠા સર્ગનાં બધા શ્ર્લોકોમાં ‘છેક’ વગેરે અનુપ્રાસો જ
નહી, પરંતુ બધા જ પ્રકારનાં યમકોની યોજનાથી શબ્દ વૈચિત્ર્ય આવ્યું છે જે
ચમત્કારજનક બની રહે છે.
(૫) અન્ય ઉદાહરણમાં કવિ એક બીજા જ પ્રકારે
શબ્દવૈચિત્ર્યમાં તત્પર થયેલા જણાય છે.૧૦ અહી તેણે ચંદ્રનાં પર્યાયવાચી
‘શીતાંશુ:’ ‘શશી’ અને ‘लोकतमोनुद:’ નો એક સાથે જ પ્રયોગ કરેલો છે એનાથી પુનરુક્તિનો
આભાસ થાય છે, જેણે અલંકારશાસ્ત્રમાં ‘પુનરુકતવદાભાસ અલંકાર પણ કહે છે શશીનો અર્થ
ચંદ્ર તથા ‘શીતાંશુ’ અને ‘લોકતમોનુંદ’ નો અર્થ ક્રમશ: શીતળ કિરણોવાળો’ અને
‘સંસારનાં અંધકારને નષ્ટ કરનાર’ લેવાથી પુનરુક્તિનો આભાસ દુર થઇ જાય છે અહી શબ્દ
વૈચિત્ર્યને કારણે ચિત્રકાવ્ય છે.
(૬) કવિ
એક અલગ જ પ્રયોગ દ્વારા શબ્દવૈચિત્ર્યથી ચમત્કાર ઉત્પન્ન કરે છે જ્યાં અર્થજ્ઞાન
વિનાજ શબ્દ-ધ્વનિનાં શ્રવણમાત્રથી વાચકનાં હ્રદયમાં ચમત્કારની અનુભૂતિ થાય છે.૧૧
શ્ર્લોકનાં પૂર્વાધમાં કવિએ ‘સારસાર’ શબ્દની પુનરાવૃત્તિથી તથા ‘संनादै:’ તેમજ ‘नादिनी’ માં ‘स’ તથા ‘न’ નાં પ્રયોગથી શ્રુતિ-અનુપ્રાસથી અદ્દભુત ચમત્કાર
ઉત્પન્ન કરે છે. અહી જેટલું શબ્દોનાં સમાન ધ્વનિનું મહત્ત્વ છે તેટલું અર્થનું નથી
આથી આને શબ્દચિત્રકાવ્યનું ઉદાહરણ માની શકાય. આ પ્રમાણે આદિ મહાકાવ્યમાં શબ્દચિત્ર
કાવ્યનાં અનેક ઉદાહરણોનાં દર્શન થાય છે.
v
અર્થચિત્રનું સ્વરૂપ :
જે કાવ્યમાં કેવળ અર્થને કારણે કોઈક
ચમત્કાર ઉત્પન્ન થતો હોય તે કાવ્યને અર્થચિત્રકાવ્ય કહેવામાં આવે છે અર્થચિત્રનો
અભિપ્રાય અલંકારરૂપ અર્થયોજના છે. જેમાં ઉત્પ્રેક્ષા વગેરે અર્થાલંકારોનો વિનિયોગ
કરવામાં આવ્યો હોય છે.
(૧) આનું સુંદર ઉદાહરણ સાતમાં કાંડમાં પ્રાપ્ત
થાય છે.૧૨ અહી છેલ્લા શ્ર્લોકમાં ભયાનકરસની નિષ્પત્તિ થાય છે છતાં પણ
પહેલા બે શ્ર્લોકમાં કવિની વિવક્ષા રસનોપમાનુંપ્રાણિત માલોપમાં અલંકારનાં
પ્રયોજનમાં જ નિહિત લાગે છે અહી ‘सिंह’ વગેરે ઉપમેય ‘सिंहन’ વગેરે ઉપમાનોમાં પરિવર્તિત થઇ જાય
છે આ પ્રમાણે રસનોપમાં અલંકાર બને છે ફરી ‘વિષ્ણુ’ તથા રાક્ષસરૂપ ઉપમેયોનાં ક્રમશ:
શરભ અને સિંહ, સિંહ અને દ્વિરદ અને વ્યાઘ્ર વગેરે અનેક ઉપમાન દર્શાવેલ છે. એનાથી એ
માલોપમા અલંકાર બની જાય છે આ પ્રમાણે અહીં રસનોપમાનુંપ્રાણિત માલોપમાં અલંકારનાં
સર્જનમાં ચમત્કાર હોવાથી આને ‘અર્થચિત્ર’ કાવ્ય માની શકાય. ‘विष्णुना प्रभविष्णुना’ એ વાક્યાંશમાંનો યમક અલંકાર પણ
વૈચિત્ર્યપૂર્ણ છે અંતિમ શ્ર્લોકનાં ઉત્તરાર્ધમાં ‘જ્ઞ’, ‘વ’, ‘ત’ નાં વિશિષ્ટ
વિન્યાસમાં અનુપ્રાસની પોતાની પણ છટા છે આ પ્રમાણે અહી શબ્દચિત્ર દ્વારા અર્થચિત્ર
કાવ્યની સંસ્કૃષ્ટિઘનીષ્ઠ તા ના દર્શન થાય છે.
(૨) કવિએ ગંગાજળની ગતિના સ્વભાવનું વર્ણન કર્યું
છે.૧૩ અહીં વર્ણનોને જોતાં જ સ્પષ્ટ થાય છે કે કવિની વિવક્ષા
સ્વભાવોક્તિ અલંકારની રચનામાં નિહિત છે પણ કોઈ રસાભાવ વગેરેનાં સંયોજનમાં નહિ બધા
જાણે છે કે પાણી ક્યારેક ઝડપથી ક્યારેક ઉપર આવીને તો ક્યારેક ધીમે ધીમે વહે છે જો
કે અહી અનુપ્રાસના રૂપમાં ‘શબ્દ-ચિત્ર’ વિધમાન છે પરંતુ કવિની વિવક્ષા
અર્થવૈચિત્ર્ય તરફ વધારે જાગરુક દેખાય છે આથી તેનુજ પ્રાધાન્ય હોવાથી આ
અર્થચિત્રનું ઉદાહરણ બને છે.
(3)
વર્ષાઋતુનાં વર્ણનનાં શ્ર્લોકનાં પૂર્વાધમાં ‘वहन्ति’ વગેરે સાત ક્રિયાપદો છે ૪ આ સાત
ક્રિયાપદોને શ્ર્લોકનાં ઉત્તરાર્ધમાં પ્રયોજિત ‘नद्य:’ વગેરે સાત કર્તાપદોની સાથે ક્રમશ: સંબંધ છે આ
પ્રમાણે પહેલા નિર્દષ્ટ પદાર્થોનો પાછળ નિર્દશેલા પદાર્થોની સાથે ક્રમશ: સંબંધ
બતાવવો એ જ કવિને વિવક્ષિત હોવાથી અહી ‘યથાસંખ્ય’ નામનો અલંકાર બને છે શ્ર્લોકનાં
પૂર્વાધમાં પ્રત્યેક પદનાં અંતમાં ‘न्तिन्ति’
પ્રયોજેલ હોવાથી ‘પદગત અન્ત્યાનુંપ્રાસ’ પણ છે તેમ છતાં ચમત્કારનો આશ્રય યથાસંખ્ય
અલંકાર જ છે.આથી અહી અર્થચિત્ર કાવ્યની અનુભૂતિ જ પ્રબળ છે. ‘मत्तगजो’ शिखिन:’
અનુક્રમે ગર્જના કરવાથી અને નાચવાથી પોતાના હર્ષની અભિવ્યક્તિ કરે છે ‘नद्य:’ વગેરે જડ પદાર્થોનાં સાંનિધ્યથી ‘હર્ષ’ ની
અભિવ્યક્તિની અપેક્ષાએ ‘યથાસંખ્ય’ અલંકારમાં જ કવિ વધારે પ્રવૃત હોય તેમ લાગે છે.
(૪)
કવિની અર્થવૈચિત્ર્યવિષયક કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તેમાં શૃંગારની પણ કંઇક
છાંટ છે. પરંતુ પ્રકરણની ર્દષ્ટિએ કવિપ્રતિભાનો વિલાસ તેમાંનાં ઉપ્તેક્ષા
અલંકારમાં નિહિત લાગે છે કવિ લખે છે કે ચારે દિશાઓમાં જે જળબિંદુઓ પડી રહ્યા છે તે
જાણે રતિક્રીડાનાં સંઘર્ષમાં અપ્સરાઓના હાર તૂટવાથી વીખરાતાં મોતીઓ છે.૧૫
આ પ્રમાણે ‘ઉત્પેક્ષા’ અલંકાર રૂપ અર્થનાં
સંયોજનમાં ચમત્કાર નિહિત હોવાથી અહી ‘અર્થચિત્ર’- કાવ્ય છે.
(૫) આ
પ્રમાણે વાલ્મીકી રામાયણ ૭.૨૬.૨૪ માં ઉલ્લેખ, ૬.૮૧.૨૬-૨૭માં સાંગરૂપકગર્ભિત
ઉપભા,૫,૭,૪૫માં ઉત્પ્રેક્ષા, ૪.૨૭.૨૨ તથા ૪.૨૭.૨૩ માં તુલ્યયોગિતા,૬.૪.૮૩માં
ઉપમેયોપમા,૨.૩૫.૮૦ માં પરિણામ, ૫.૪૦.૧૫ માં સન્દેgહ,૪.૨૭.૨૯ માં ભ્રાન્તિમાન અને
૪.૨૭.૧૭ માં સ્વભાવોક્તિ ગર્ભિત ઉપમા વગેરે અલંકારોના માધ્યમથી અર્થવૈચિત્ર્યનું
સંયોજન થવાથી આ બધાં સ્થળો અર્થચિત્ર કાવ્યનાં ઉદાહરણો છે.
ખરેખર વાલ્મીકિએ ચિત્રકાવ્યને એવી રીતે પ્રસ્તુત
કર્યું છે કે તે નિકૃષ્ટ ગણાતું હોવાં છતાં તેની આહલાદકતામાં કશી ઊણપ આવતી નથી
અલંકાર યોજનામાં કવિની આવડત આમાં સહાયક બની છે આમ નિકૃષ્ટ કે અવરકાવ્ય એવા
ચિત્રકાવ્યને પણ કવિએ અલંકારોનાં સમુચિત પ્રયોગથી સુંદર સ્થાન આપ્યું છે તેને
કવિપ્રતિભાની આગવી વિશેષતા ગણાવી શકાય. વાસ્તવમાં ધ્વનિતત્વની અંતર્ગત આવતા કોઇપણ
તત્વને વાલ્મીકિ ચરિતાર્થ કરે છે. તે તેની ઉત્કૃષ્ટ કવિપ્રતિભાનું પરિણામ છે.