" સારાગઢી યુદ્ધ (ઈ.સ. ૧૮૯૭) "


ારાગઢી યુદ્ધ (ઈ.સ. ૧૮૯૭)


                                                                            સારાગઢી પોસ્ટ                                                           ગુગલ મેપ દ્વારા ત્રણ કિલ્લાઓનું નિદર્શન


                                         

                                                                          ૩૬ શીખ બટાલિયનના સૈનિકો                                         ૨૧ શીખ સૈનિકોનાં નામ

         ભારતની ધરતી પર એવા કેટલાંય યુદ્ધ લડાયાં છે, જેને આજે પણ યાદ કરવામાં આવે છે. આવાં યુદ્ધોથી જોડાયેલી ઘટનાઓ અને વાર્તાઓ વિશે અભ્યાસ કરવાથી ખબર પડે છે કે આપણા દેશમાં કેટલા બહાદૂર અને નિડર લોકોએ જન્મ લીધા છે ! ભારતના ઈતિહાસમાં એવાં કેટલાંક યુદ્ધ થયા છે કે જેમાં બહું જ ઓછી સંખ્યામાં ભારતીય સૈનિકોએ સામે પક્ષે મોટી સંખ્યામાં વિરોધી દુશ્મનોને હરાવ્યા છે, અટકાવ્યા છે કે ઘૂંટણીએ કરી દીધા છે. આવું જ એક યુદ્ધ છે, સારાગઢી યુદ્ધ. આજે હું મારા આ લેખ દ્વારા તમને બતાવા જઈ રહ્યો છું કે કેવી રીતે સારાગઢી યુદ્ધમાં ફક્ત ૨૧ શીખોએ ૧૦,૦૦૦ અફઘાનિઓને અટકાવ્યા હતા.

         સારાગઢી સમાના રેંજ પર આવેલ કોહાટ જિલ્લાના સીમાવર્તી વિસ્તારનું એક નાનું ગામ છે. જે વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ છે. સમાના પર્વતીય વિસ્તાર પર કેટલાક બ્રિટિશ સરકારે કિલ્લા બનાવ્યા હતા. જ્યાંથી આ વિસ્તાર પર દેખરેખ રાખતા હતા. સારાગઢી કિલ્લાને ૨૧મી એપ્રિલ ૧૮૯૪માં બ્રિટિશ સેનાના ૩૬મા શીખ બટાલિયનના કર્નલ જે.કુકની દેખરેખ નીચે બનાવવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭માં લેફ્ટિનેંટ કર્નલ જૉન હૈટનના નેતૃત્વમાં ૩૬મી શીખ બટાલિયનની પાંચ ટૂકડીઓને બ્રિટિશ-ઈંડિયા (વર્તમાન ખૈબર પખ્તૂનખ્વા) ના ઉત્તર-પશ્ચિમની સીમા પર મોકલવામાં આવી હતી. અને આ પાંચ ટુકડીઓને સમાના, કુરાગ, સંગર, સહટૉપ ધર અને સારાગઢમાં ગોઠવવામાં આવી.

         ઈ.સ. ૧૭૮-૮૦ દરમ્યાન બીજો બ્રિટિશ-અફઘાન વિગ્રહ થયો હતો. જેમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો. જેમાં ઉત્તર-પશ્ચિમ સરહદી વિસ્તાર અને ક્વેટા આ બન્ને અફઘાનિસ્તાનના વિસ્તાર બ્રિટિશ હસ્તક આવી ગયા. આ યુદ્ધ બાદ અફઘાનિસ્તાન અને બ્રિટિશ વચ્ચે એવી સંધિ કરવામાં આવી હતી કે અફઘાન લોકોના રીત રીવાજ, તેમની ન્યાય વ્યવસ્થા અને આંતરીક બાબતોમાં બ્રિટિશ સરકાર દખલગીરી નહીં કરે, બ્રિટિશ સરકાર ફક્ત અફઘાનિસ્તાનની વિદેશ નિતી પોતાના હસ્તક રાખશે. વિદેશી નિતી હાથમાં લેવાનું કારણ રશિયા હતું. ૧૯મી સદી દરમ્યાન રશિયા અને બ્રિટન વચ્ચે મધ્ય એશિયાના દેશોમાં વર્ચસ્વ સ્થાપવાની હોડ જામી હતી. આ કારણે બ્રિટન એમ કરવા માંગતું હતું.

         અત્યારનું ખૈબર પખ્તૂનખ્વાના પશ્તૂન(પખ્તૂન) જાતીનો અને આદિવાસીવાળો વિસ્તાર છે. અહીંની સરહદવાળા વિસ્તારમાં પખ્તૂન હતા. તેમને આ પસંદ ના આવ્યું. તેઓ બ્રિટિશરોને સ્વીકારવા તૈયાર ન હતા, તેમની ગુલામી મંજૂર ન હતી. થોડા વર્ષ શાંતી બની રહી. થોડા વર્ષ પછી કાબૂલ થી લાહોર જે વેપારી આવ-જા કરતા હતા તેમને લૂંટવાનું ચાલું કર્યું, બ્રિટિશ વેપારીઓને પણ હેરાન કરવા લાગ્યા. કેટલીક વાર બ્રિટિશ સૈન્ય છાવણી ઉપર હુમલા કરવા લાગ્યા. અંગ્રેજ આ અસ્થિર અને અશાંત વિસ્તાર પર નિયંત્રણ મેળવવામાં આંશિક રૂપથી સફળ થયા. પરંતુ ત્યાંના મૂળ નિવાસી પશ્તૂનોએ અમુક સમયે બ્રિટિશ સૈનિકો પર હુમલાઓ ચાલુ રાખ્યા. આથી બ્રિટિશ સરકારે કિલ્લાઓની એક હરોળને મરામત કરાવીને પોતાની સ્થિતિ મજબૂત કરવાનું વિચાર્યું. આ કિલ્લાઓ મૂળ શીખ સામ્રાજ્યના શાસક મહારાજા રણજિત સિંહ દ્વારા બનાવેલા હતા. એમાંથી બે કિલ્લાઓ ફોર્ટ લૉકહાર્ટ (હિંદૂ કુશ પહાડોની સમાના રેંજ પર) અને ફૉર્ટ ગુલિસ્તાન (સુલેમાન રેંજ) એક બિજાથી થોડા માઈલના અંતરે હતા. આ બન્ને કિલ્લાઓ એક બીજાને દેખાઈ દેતા ન હતા આથી તેમની વચ્ચે સારાગઢનો કિલ્લો બનાવ્યો હતો. અને તેનો ઉપયોગ હેલિઓગ્રાફીક સંચાર પોસ્ટના રૂપમાં કરવામાં આવ્યો. હેલિઓગ્રાફીકમાં એક કાચ અને સૂર્યપ્રકાશની મદદથી સંકેતો આપી શકાય છે. જેનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ થયો હતો. હિલિઓગ્રાફિકમાં ત્રણ વ્યક્તિ જોઈએ એક જે સમાચાર ફ્લેશ કરે, બીજો વાંચે અને ત્રીજો લખે. સારાગઢી પોસ્ટ પર આ યંત્ર હતું જેના દ્વારા ફૉર્ટ લૉકહાર્ટ અને ફૉર્ટ ગુલિસ્તાનને સંદેશા મોકલતા હતા.

         ઈ.સ. ૧૮૯૭ માં અફઘાનો અને આદિવાસિઓ દ્વારા અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહ શરુ થયો. ૨૭ ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બરની વચ્ચે પશ્તૂનો દ્વારા કિલ્લાઓ પર કબજો મેળવવાના ઘણા સખત પ્રયાસોને બ્રિટિશ સેનાની ૩૬મી શીખ બટાલિયન દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા. ૩ અને ૯ સપ્ટેમ્બરમાં આફ્રિદી આદિવાસીઓએ અફઘાનોની સાથે મળીને બ્રિટિશ સેના પર ફૉર્ટ ગુલિસ્તાન પર હુમલો કર્યો. આ બન્ને હુમલાઓ નિષ્ફળ નિવડ્યા. પશ્તૂનો અને અફઘાનોનું નેતૃત્વ ગુલ બાદશાહ કરી રહ્યો હતો.

         ૧૨મી સપ્ટેમ્બર ૧૮૯૭ના રોજ હજારોની સંખ્યામાં પઠાણ પશ્તૂન આદિવાસીઓએ સારાગઢ પર ચડાઈ કરી. સૌ પ્રથમ એમનું લક્ષ સારાગઢી પોસ્ટ હતી કેમ કે તે બન્ને ફોર્ટની વચ્ચે આવેલ હતું. અને ત્યાંના સૈનિકોની સંખ્યા ઓછી હતી. તથા ત્યાંથી બન્ને સ્થળે સંદેશાઓ પહોંચાડવામાં આવતા હતા એટલે તેઓ સંદેશાઓની આપ-લે બંધ કરી દેવા માંગતા હતા જેથી એક બીજાને મદદ ન મળી શકે. સૈનિકોની સંખ્યાની વાત કરીએ તો ફૉર્ટ લોકહાર્ટમાં ૧૬૮ સૈનિક, ફૉર્ટ ગુલિસ્તાનમાં ૧૭૫ અને સારાગઢીમાં ૨૧ સૈનિક હતા. આ બધા જ ૩૬ શીખ બટાલિયનના હતા.

         ૨૧ શીખ સૈનિકોનું નેતૃત્વ હવલદાર ઈશર સિંહ કરી રહ્યા હતા. ૧૦,૦૦૦ અફઘાનીઓ સામે યુદ્ધમાં ઉતર્યા પહેલાં આ સૈનિકો પોતાના બચાવ માટે બાજુના બન્ને ફૉર્ટમાંથી કોઈપણ એક ફૉર્ટમાં ભાગી ગયા હોત તો બચી જાત. કેમ કે એ બન્ને કિલ્લાઓનું અંતર લગભગ ૨.૫૦ માઈલ જેટલું હતું. પણ એમ ના કર્યું. ઈશર સિંહે પોતાના સાથીઓનો જુસ્સો વધાર્યો અને અફઘાનિઓ સામે પીછેહઠ નહીં કરવાનું વચન આપ્યું. ત્યારબાદ અફઘાનિઓએ પણ ત્યાં આવીને પોસ્ટ ખાલી કરવા સૂચના આપી. પણ ઈશર સિંહે તેનો અસ્વીકાર કર્યો. આ યુદ્ધની શરૂઆત લગભગ ૯ વાગે થઈ હતી. અને લગભગ ૭ કલાક યુદ્ધ ચાલ્યું હતું જે ૩ થી ૪ વાગ્યે પૂરુ થયુ. યુદ્ધની શરૂઆતમાં અફઘાનીઓએ ૧૦૦ આસપાસની ટુકડીઓ મોકલીને એમના પર હુમલો કરતા હતા. ૨૧ શીખ સૈનિકો તેની સામે રાઈફલો દ્વારા યોગ્ય જવાબ આપી રહ્યા હતા. આવી ઘણી ટૂકડીઓ ખતમ કરી. તેમાં ઘણા શીખ સૈનિકો ઘાયલ થયા, કેટલાંકની રાઈફલ તૂટી ગઈ.

         આ સમય દરમિયાન સંદેશા મોકલવાનું કામ ગુરમુખ સિંહ નામનો ૧૯ વર્ષનો સૈનિક કરી રહ્યો હતો. જેણે સાત કલાક આ કામ કર્યુ હતું. જેના કારણે આ બધા સમાચાર બ્રિટિશ સરકાર દ્વારા એકઠા કરીને વર્તમાન પત્રોમાં છાપવામાં આવ્યા જેના લીધે આજે આપણને આ યુદ્ધ વિશે માહિતી ઉપલબ્ધ થાય છે. સારાગઢી યુદ્ધનું વિવરણ ગુરમુખ સિંહ દ્વારા હિલિઓગ્રાફિક દ્વારા કરવામાં આવ્યું હતું જે યોગ્ય માનવામાં આવે છે.

·        સવારે ૯ વાગ્યે લગભગ ૧૦,૦૦૦ અફઘાન વિદ્રોહીઓને સારગઢી પોસ્ટ પર પહોંચ્યાના સમાચાર મોકલ્યા.

·        ગુરમુખ સિંહના અનુસાર લૉકહાર્ટ કિલ્લામાં કર્નલ હૌથટનને સૂચના મળી કે એમના પર હુમલો થયો છે.

·        કર્નલ હૌથટનના અનુસાર સારાગઢીમાં તરત જ મદદ મળી શકે તેમ ન હતું.

·        સૈનિકોએ અંતિમ શ્વાસ સુધી લડવાનો નિર્ણય લીધો છે.

·        બ્રિટિશ સેનાના ભગવાન સિંહ સૌથી પહેલા ઘાયલ થયા અને લાલસિંહ ગંભીર સ્થિતિમાં ઘાયલ થયા.

·        સૈનિક લાલસિંહ અને જીવા સિંહ ભગવાન સિંહના શરીરને પોસ્ટની અંદર લઈને આવ્યા.

·        વિદ્રોહિઓએ પોસ્ટની દિવાલના એક ભાગને તોડી નાખ્યો.

·        અંગ્રેજ કર્નલ હૌથટને સંકેત આપ્યા કે તેમના અનુમાન મુજબ સારાગઢી પર ૧૦,૦૦૦થી ૧૪,૦૦૦ પશ્તોને હુમલો કર્યો છે.

·        અફઘાન વિદ્રોહી સેનાના નાયક બ્રિટિશ સૈનિકોને આત્મસમર્પણ કરવા માટે લોભાવતા રહ્યા.

·        તેમના કહેવા પ્રમાણે મુખ્ય દરવાજાને ખોલવા માટે બે વાર પ્રયત્નો કર્યા પણ અસફળ રહ્યા.

·        એના પછી દીવાલ ટૂટી ગઈ.

·        એના પછી આમને સામને ભયંકર લડાઈ થઈ.

·        અસાધારણ બહાદુરી બતાવીને અંગ્રેજી સેના ના ઈશર સિંહને પોતાના સૈનિકોને પાછળ તરફ હટવાનો આદેશ આપ્યો જેનાથી લડાઈને ચાલુ રાખી શકાય. પરંતુ તેમાં બાકી બધાજ સૈનિક અંદરની તરફ ચાલ્યા ગયા પણ એક પશ્તોની સાથે એક સૈનિક માર્યા ગયા.

ગુરમુખ સિંહ જે યુદ્ધમાં છેલ્લે અવસાન પામ્યો. જેને છેલ્લા સમાચાર ૩:૩૦ વાગ્યે મોકલ્યા હતા, મુખ્ય દરવાજો તૂટી ગયો છે અને હવે હું એકલો વધ્યો છું મને લડાઇ કરવા માટે મંજૂરી આપો. ત્યાંથી મંજૂરી મળી. કહેવાય છે કે તેણે લગભગ ૧૫ થી ૨૦ પશ્તોને માર્યા હતા. આ યુદ્ધમાં ૨૧ શીખ સૈનિકોએ મળીને લગભગ ૬૦૦ જેટલા અફઘાનીઓ માર્યા હતા. આમ, આ યુદ્ધમાં શીખ સૈનિકોના પરાજયમાં પણ વિજય દેખાતો હતો, કેમ કે તેઓ અફઘાનીઓને બીજા બે કિલ્લાઓ તરફ જતા રોકવામાં સફળ રહ્યા હતા.

આ ૨૧ શીખ સૈનિકોને તે સમય દરમિયાન ભારતીય સૈનિકોને આપવામાં આવતો સૌથી ઉચ્ચ પુરસ્કાર “INDIAN ORDER OF MERIT” બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવ્યો. જે અત્યારના પરમવિર ચક્ર બરાબર ગણાવી શકાય.

૨૧ શીખ સૈનિકોની શહાદતની યાદમાં ઈ.સ. ૧૯૦૨માં સારાગઢી ગુરુદ્વારા અમૃતસરમાં બનાવવામાં આવ્યું. જ્યારે બીજું ગુરુદ્વારા અને મેમોરિઅલ ફિરોજપુરમાં બનાવવામાં આવ્યું. સારાગઢી દિવસ એક શીખ સૈન્ય સ્મૃતિ દિવસ છે, જે દર વર્ષે ૧૨ સપ્ટેમ્બરને સારાગઢીની લડાઈની યાદમાં મનાવામાં આવે છે. બ્રિટિશ શીખ સૈન્ય કાર્યકરો અને નાગરિકો ૧૨ મી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વમાં આ લડાઇને યાદ કરે છે. બ્રિટિશ શીખ રેજિમેન્ટની બધી ટૂકડીઓ દર વર્ષે રજિમેંટલ બેટલ ઓનર્સ ડે તરીકે સારાગઢનો દિવસ ઉજવે છે. આજે પણ ખાસ કરીને સીખો દ્વારા યુ.કે. અને દુનિયામાં સરાગઢનો દિવસ ખૂબ ગૌરવથી ઉજવવામાં આવે છે.

    આ શીખ સૈનિકોની બહાદૂરીથી પ્રભાવિત થઈને ક્વિન વિક્ટોરિયાએ બ્રિટિશ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે,

“It is no exaggeration to record that the armies which Possess the valiant Sikhs cannot Face defeat in war”     

-     Queen Victoria, British Parliament,1897



References / સંદર્ભ

1. London Gazette: no. 26937, પૃ. ૮૬૩, ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૮. 2. ધ ટ્રિબ્યૂન ઓનલાઈન સંસ્કરણ (૧૫ એપ્રિલ, ૨૦૦૭). "Of blood red in olive green". 3. ધ ટ્રિબ્યૂન ન્યૂઝ સર્વિસ (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૫). "Battle of Saragarhi remembered" 4. Maj. Gen. Jaswant Singh Letter to H.M. Queen Elizabeth II Archived 12 oct. 2007 at the Institute of Sikh Studies (1999) 5. Himmat, R.M.Lala 1971.p.16. 6. Subrahmanyam L.M (2006), Defending Saragarhi 12 September 1897. 7. "The Frontier War," Daily News, London (16 Sep 1897) 8. Gautam sharma, Valour and Sacrifice: Famous Regiments of the Indian Army, India, Allied Publishers (1990) ISBN 81-7023-140-X. 9. Gita pande (5 Dec. 2011). "India polo match honours Sikhs' 1897 Saragarhi battle".

Author Name and Details /લેખકનું નામ અને વિગત

ચૌધરી મનોજકુમાર લાલજીભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ઈતિહાસ વિભાગ સી. એન્ડ એસ.એચ. દેસાઈ આર્ટ્સ એન્ડ એલ.કે.એલ. દોશી કૉમર્સ કૉલેજ, બાલાસિનોર